![]() |
| મંદી સામે ઝઝૂમતા જાપાનમાં 31 વર્ષ બાદ વ્યાજદરમાં વધારો |
જાપાનની કેન્દ્રીય બેન્કે વ્યાજદર 1 ટકાથી વધારી 1.25 ટકા કર્યો. ઘટતા જાપાની ચલણ યેનને બચાવવાનો સરકારનો પ્રયાસ છે.. બેન્ક ઓફ જાપાને આજે વૈશ્વિક તણાવ અને ઉર્જા કટોકટી વચ્ચે વ્યાજદરમાં વધારો કર્યો છે. યેનને મજબૂત કરવા અને મોંઘવારી નિયંત્રિત કરવા માટે લેવાયેલો નિર્ણય છે. છેલ્લા અઢી વર્ષમાં છઠ્ઠી વખત વધારો કરાયો છે.
જાપાનના અર્થતંત્રમાં વળાંક
દાયકાઓ સુધી જ્યાં પૈસા ઉધાર લેવા પર લગભગ શૂન્ય ટકા કે નેગેટિવ વ્યાજ મળતું હતું, તે જાપાનના અર્થતંત્રમાં અત્યારે મોટો વળાંક આવ્યો છે. જે દેશ ત્રણ દાયકા સુધી મોંઘવારી નહીં પણ મંદી અને ભાવ ઘટાડા સામે ઝઝૂમતો રહ્યો, તે આજે વધતી મોંઘવારી અને ગગડતા ચલણને સંભાળવા માટે વ્યાજદરો વધારી રહ્યો છે. જાપાનની કેન્દ્રીય બેંકે વ્યાજ દરો 1%થી વધારીને 1.25% કરી દીધા છે. આ છેલ્લા 31 વર્ષનું સૌથી ઊંચું સ્તર છે. એટલે કે લોન મોંઘી થઈ ગઈ છે. બેંકે આ મોટું પગલું મુખ્યત્વે દેશમાં વધી રહેલી મોંઘવારીને રોકવા અને નબળી પડી રહેલી પોતાની કરન્સી 'યેન'ને સંભાળવા માટે લીધું છે.
યેન 40 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો
જાપાનની કરન્સી ‘યેન’ની કિંમત દુનિયાના બજારમાં ઘણી ઘટી ગઈ હતી. ઑગસ્ટમાં તો યેનનું મૂલ્ય છેલ્લાં 40 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું હતું. જ્યારે કોઈ દેશનું ચલણ ખૂબ નબળું પડી જાય છે, ત્યારે તે દેશ માટે વિદેશથી સામાન ખરીદવો ખૂબ મોંઘો બની જાય છે.
અગાઉ માઈનસમાં હતા વ્યાજદરો
વર્ષ 2024 સુધી જાપાનમાં વ્યાજ દરો -0.1% માં હતા, જેનો અર્થ એ હતો કે બેંકમાં પૈસા રાખવા પર વ્યાજ મળવાને બદલે ઊલટું ચાર્જ કપાતો હતો, જેથી લોકો પૈસા બચાવે નહીં પરંતુ બજારમાં ખુલ્લેઆમ ખર્ચ કરે. હવે છેલ્લા અઢી વર્ષમાં બેંકે છઠ્ઠી વખત દરોમાં વધારો કર્યો છે. બૅન્ક ઓફ જાપાને શુક્રવારે પોતાના મુખ્ય વ્યાજદરમાં વધારો કરીને તેને 31 વર્ષની નવી ટોચે પહોંચાડી દીધો છે. આ નિર્ણય પાછળ વૈશ્વિક તણાવ, ઊર્જા કટોકટી અને અમેરિકાનું દબાણ મુખ્ય કારણ બન્યા છે.
વ્યાજદર વધારવાના મુખ્ય કારણો
- મોંઘવારી પર કાબૂ મેળવવો
- યેનને મજબૂત કરવા માટેનો પ્રયાસ
- મિડલ ઈસ્ટ યુદ્ધ
- જાપાન મોટાભાગની ઉર્જા વિદેશથી ખરીદે છે, તેથી મોંઘવારી જોખમ વધ્યુ હતુ
- હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી
- તેલ-ગેસના ભાવ ભડકે બળ્યા
વૈશ્વિક સ્તરે ઈરાન યુદ્ધના કારણે ઊર્જાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જે વૈશ્વિક ફુગાવાને સતત ધકેલી રહ્યો છે. ખાસ કરીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં કાર્ગો શિપમેન્ટ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઇલ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો આસમાને પહોંચ્યા છે. જાપાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મિડલ ઈસ્ટના દેશો પર નિર્ભર હોવાથી આ સપ્લાયવિક્ષેપની સીધી અને ગંભીર અસર તેના અર્થતંત્ર પર પડી છે.
ગ્લોબલ ટ્રેન્ડ: વિશ્વના ઘણા દેશો વ્યાજદરો વધારવાની લાઈનમાં
મોંઘવારી માત્ર જાપાન પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વની તમામ મુખ્ય સેન્ટ્રલ બૅન્ક વ્યાજદર વધારવા મજબૂર બની છે. યુએસ ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત પોતાના બેન્ચમાર્ક વ્યાજદરમાં વધારો કર્યો છે. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ આ મહિનાની શરૂઆતમાં પોતાના બોરોઇંગ કોસ્ટમાં વધારો કર્યો હતો.
ઓગસ્ટ માસમાં ઈન્ફલેશનમાં ઐતિહાસિક ઘટાડો
શુક્રવારે BOJ ની જાહેરાત પહેલા જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં કોર ઇન્ફ્લેશન ઘટીને 1.7% નોંધાયો છે, જે અગાઉના મહિને 1.8% હતો. જોકે, આ દર સેન્ટ્રલ બેંકના 2% ના લક્ષ્યાંકની નજીક છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આ આંકડો મોટો ન લાગે, પરંતુ જાપાન માટે આ સ્થિતિ અસામાન્ય છે કારણ કે દેશે છેલ્લા 30 વર્ષથી નજીવી મોંઘવારી અથવા સતત ઘટતા ભાવો જોયા છે.
યેનને બચાવવા વોશિંગ્ટન-ટોક્યોનું સંયુક્ત ઓપરેશન
ઓગસ્ટ મહિનામાં જાપાની યેન ગગડીને 40 વર્ષના તળિયે પહોંચી ગયો હતો. તેને અપસ્ફીતિ અથવા ડિફ્લેશન કહેવામાં આવે છે. તેના કારણે ત્યાંના લોકોને સામાન સતત સસ્તો મળવાની આદત પડી ગઈ હતી. આવી સ્થિતિમાં હવે જ્યારે દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે આ વાત ત્યાંના સામાન્ય નાગરિકોના ખિસ્સા અને સરકાર બંને માટે ચિંતાનું કારણ બની રહી છે. ચલણનું પતન રોકવા માટે ટોક્યો અને વોશિંગ્ટને સંયુક્ત રીતે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરી હતી. વર્ષ 2011 માં આવેલા ભયાનક ભૂકંપ અને સુનામી બાદ બંને દેશોએ સાથે મળીને દરમિયાનગીરી કરી હોય તેવી આ પ્રથમ ઘટના હતી. જાપાનના નાણા મંત્રાલય અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે જરૂર પડ્યે ભવિષ્યમાં પણ આવા સંયુક્ત હસ્તક્ષેપ કરવામાં આવશે. દાયકાઓ સુધી સસ્તા નાણાંની નીતિ પર નિર્ભર રહેલું જાપાન હવે વૈશ્વિક આર્થિક વાસ્તવિકતાઓ સામે ઝૂકવા મજબૂર બન્યું છે.
ભારતીય શેર બજાર પર શું અસર થશે ?
ભારત પર સૌથી પહેલી અસર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ એટલે કે FPI ફ્લો દ્વારા જણાઈ આવશે. જાપાનમાંથી સસ્તા પૈસા લઈ ભારતીય શેરમાં રોકાણ કરનારા કેટલાક વૈશ્વિક ફંડ પોતાની હોલ્ડિંગ પોઝિશન ઘટાડી શકે છે. જો મોટા પાયે વેચાણ થાય તો નિફ્ટી અને સેન્સેક્સ પર દબાણ આવી શકે છે. મિડકેપ, સ્મોલ કેપ અને કેટલાક શેર્સમાં સૌથી વધારે અસર થશે. બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓના શેર પણ ગ્લોબલ લિક્વિડિટી ઘટવા પર પ્રભાવિત થઈ શકે છે. પરંતુ 0.25 ટકા વધારા અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓએ પહેલેથી જ સંભાવનાઓ દર્શાવી હતી. જો કેરી ટ્રેડ ખુલે છે અને વિદેશી રોકાણકારો ભારતમાંથી પૈસા કાઢે છે તો તેમણે ડોલર ખરીદવા પડી શકે છે જેનાથી રૂપિયો નબળો પડી શકે અને ડોલરની માંગ વધી શકે છે. બીજી તરફ જાપાની યેન ડોલર સામે મજબૂત થાય તો ડોલર ઈન્ડેક્સ પર દબાણ આવી શકે છે. આવી સ્થિતિમાં રૂપિયા પર દબાણ ઓછુ થઈ શકે છે. જે ભારતીય કંપનીઓએ યેન પર લોન લીધી છે એમની ફંડિગ કોસ્ટ વધી શકે છે. યેન મજબૂત થયો તો નાણા ચૂકવવા માટે વધુ રૂપિયા આપવા પડે તેવી સ્થિતિ પણ બની શકે છે.
