![]() |
| anand-vasad-child-case-accused-suresh-parmar-dies-police-encounter |
આણંદ જિલ્લાના વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ અને મોતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ જઘન્ય ગુનાના કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોટ થયું છે. આરોપી સુરેશ પરમારને ધરપકડ બાદ વાસદ લાવતી વખતે આરોપીએ કસ્ટડી દરમિયાન બે પોલીસકર્મીઓ પર ચપ્પુથી હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના સમજાવવા છતાં પણ ન માનતા પોલીસે નાછૂટકે ફાયરિંગ કરવું પડ્યું હતું. જ્યાં કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું. આ હુમલામાં ઘાયલ થયેલા બે પોલીસે જવાનોની સારવાર ચાલી રહી છે.
બાળકીનું અપહરણ કરીને આચર્યું જઘન્ય કૃત્ય
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સુરેશ પરમારે વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. બાદમાં બાળકી પર દુષ્કર્મ આચરી તેની કરપીણ હત્યા કરી હતી અને પુરાવા નષ્ટ થઇ જાય એના માટે મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. બાદમાં ટ્રેન નીચે કચડાઈ જતાં બાળકીનું કરુણ મોત થયું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર ઘટનાએ આણંદ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.
બાળકીના અપહરણ બાદ તપાસમાં જોડાઈ અનેક ટીમો
અહેવાલો પ્રમાણે, વાસદ રેલવે સ્ટેશન નજીકથી બાળકી ગુમ થયા બાદ પરિવાર અને પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે રેલવે ટ્રેક નજીકથી બાળકી મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિત અનેક ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બાળકીને લઈ જતો દેખાયા બાદ તપાસ સુરેશ પરમાર સુધી પહોંચી હતી.
તપાસ દરમિયાન સુરેશ પરમારની ધરપકડ કરી વાસદ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ઊલટી થવાનું બહાનું કાઢી કંટારિયા-આસોદર વચ્ચે તેણે વાહન ઉભું રખાવ્યું હતું. નીચે ઉતરતા જ આરોપી ચાકુ કાઢીને રાજવીરસિંહ અને મહિપાલસિંહ નામના બે પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલામાં બંને જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસનો દાવો છે કે PSI રાણાએ આરોપીને રોકાઈ જવા અને આત્મસમર્પણ કરવા માટે વારંવાર ચેતવણી આપી હતી. તેમ છતાં આરોપી ન અટકતાં સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ પરમારને કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અગાઉ પણ બે વખત બળાત્કારના ગુનામાં સંડોવાયો
તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી સુરેશ પરમાર વિકૃત માનસિકતા ધરાવતો હતો અને અગાઉ પણ તેના પર દુષ્કર્મના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. અગાઉના કેસોમાં તે જામીન પર છૂટીને બહાર આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર સુરેશ પરમાર સામે અગાઉ બે વખત બળાત્કારના ગુના નોંધાઈ ચૂક્યા હતા. તેમાં એક કેસમાં તેણે વૃદ્ધા સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આમિર ખાનને ધમકી, મુંબઈ પોલીસ તપાસમાં લાગી
